શબ્દો દ્વારા પૂજ્ય પિતાજીને શ્રદ્ધાંજલિ

Image041

પિતાજી સ્વ. ભરતસિંહ જાલમસિંહ વાળા

સ્વ. તા.૦૪-૦૬-૨૦૧૦, વૈશાખ વદ શુક્રવાર

********************************

મોઢે બોલુ મા તો મને હાચેજ

નાનપણ હાંભરે પછી મોટપની

બધી મજા મને કડવી લાગે કાગડા

– કવિ દુલા ભાયા કાગ

આશ્ચર્ય થાશે મુકુંદ પધરા પ્યારા ”jp”ના આલ્બમ “રીસ્તે મે હમ તુમ્હારે બાપ હૈ”માં માતાનાં વખાણ ? પરંતુ પ્યારના ત્રાજવે જ્યારે બે પ્રેમની તુલના થતી હોય ત્યારે જે ત્રાજવે/કૂંખે આપણે જોખાયા/પાક્યા હોય એ મહાનતાની મૂર્તિને યાદ કરવી મને યોગ્ય લાગી છતાં પણ ઇતિહાસની આ સત્ય હકિકત છે લેખકો/સાહિત્યકારો દ્વારા બાપના પ્યારને માતા જેટલું મહત્વ નથી મળ્યું આ તો જિનીયસ “જેપીળા”નાં દિમાગની ઉપજ છે બાપના પ્યારને ઉજાગર કરવાની… માતાના વાત્સલ્ય ભર્યા પ્રેમના પ્રવાહમાં બાપનો બરછટ પ્યાર પાયાની ઇંટ સમાન છે બાળકોને પ્રેમ આપવાની પ્રક્રિયામાં માતાનો પ્યાર બુલંદીઓ અને આકાશને આંબે છે તો બાપનો પ્યાર પાયામાં રહીંને છાનો છપનો કૌંટુંબિક ઇમારાતનું જતન કરતો રહે છે માતા વાત્સલ્યનું ઝરણું છે તો બાપનો પ્યાર ગુઢ રહસ્ય છે, માતા બાળકોને દિલ ફાડીને ચાહી શકે છે તો બાપ આંતરીક ઉમળકા અને બાળકો પ્રત્યેનાં પ્યારને પોતાની ભીતર એકલો અનુભવતો રહે છે એટલે જ કદાચ આ પ્યારના પાયાની ઇંટ “બાપ”નું વર્ણન કે વિષ્લેશણ કરવાં માટે લેખકો/સાહિત્યકારોનાં શબ્દો ટૂંકા પડ્યાં હશે… નાની એવી ઠેંસ અથવા ધક્કો લાગે ત્યારે “ઓઇઇઇ મા” બોલાઇ જવું સ્વાભાવિક છે પરંતુ જ્યારે માતેલા સાંઢ જેવો ટ્રક/મુશ્કેલીઓ સામે આવે ત્યારે અનાયાસે “ઓઓઓ બાપ રે” શબ્દ મ્હોંમાંથી આપોઆપ સરી પડતો હોય છે… માતાનાં પ્રેમનું કોઇ મૂલ્ય નથી એમ જ બાપનો બરછટ પ્રેમ પણ બકવાસ નથી પ્રેમની બન્ને અલગ-અલગ અભિવ્યક્તિ “કોમળ અને કઠણ” છે ચાલો ઘણું લખાઇ ગયું હવે બાપુજી વિશે લખું

ભાગ્યે જ કોઇની હોય એવી સંઘર્ષમય જિંદગી મારા બાપુજીની રહી છે બાપુજી ૧૨ વર્ષના હતાં ત્યારે જ મારા દાદાજી જાલમસિંહ નામ મુજબ બાપુજી પર જુલમ કરી ઉપર ચાલ્યા ગયા… એક ૧૨ વર્ષના બાળકનાં નાના અને નાજુક કંધા પર ઘરની સંપૂર્ણ જવાબદારી આવી પડી ઘરની ખેતી ખરી પણ પાંણી વગર કશું ઉપજે નહિ એટલે બાપુજીએ ૧૨ વર્ષની ઉંમરે જ અમારા દરબાર ગઢનાં તાલુકદાર બચુભા જીવણસંગ વાળાને ત્યાં સવા રુપીયા રોજના દરે બાળ મજુરીની શરુઆત કરી… ૧૨ વર્ષનો કુમળો બાળક આખો દિવસ મજુરી કરી સવા રુપીયો મારા દાદીમાનાં હાથમાં આપે એટલે દાદીમાં દારુનો એક ગ્લાસ બાપુજીનો થાક ઉતારવા માટે આપે… આજના સમયે અજગુતુ અને આશ્ચર્ય જનક લાગે કે એક માતા પોતાના જ ૧૨ વર્ષનાં કુમળા બાળકને દારુ આપી શકે ખરી ? પરંતુ એ સમયમાં અમારા દરબાર ગઢનો માહોલ જોતા એ સહજ હતું દરેક ઘરના યુવાનોમાં દારુ સવારથી જ પીવાતો મારા બાપુજી જ્યાં કામ કરતા ત્યાં પણ પીવાતો છતાં બાપુજી એક મજુરના રૂએ મનને મારી સખત કામમાં જ ધ્યાન આપતા આ વાત મારા દાદીમા ખૂબ સારી રીતે જાણી ગયેલા અને ૧૨ વર્ષનો બાળક બહારનાં દારુના અતિરેકથી વધારે બગડે નહિ બસ આ વિચારે મારા દાદીમાનું વાત્સલ્ય બાપુજીને રાત્રે એક ગ્લાસ દારુ આપવામાં છલકાઇ જતું ઘણાં બુદ્ધિજીવીઓને આ વાત ગળે નહિ ઉતરે પરંતુ માહોલ મુજબ આ માતૃત્વ પણ વાત્સલ્યનો ભંડાર હતું… આ વાત થઇ મારા જન્મ પહેલાની જે મારા બાપુજીએ મને કહેલી હવે મૂળ વાત

૧૨ વર્ષની ઉંમરથી જ દારુના એક ગ્લાસનું સેવન સમય જતાં બાપુજીની મજબુરી બની ગઇ રાત્રીનાં એક ગ્લાસનું માપનું વિસ્તરણ ૨૪ કલાક નશાયુક્ત જિંદગીમાં પરિવર્તીત થયુ દિવસ દરમ્યાન તો બાપુજી નશામાં ધૂત જ હોય પરંતુ મારા બા કહેતાં કે તારા બાપુજી રાત્રે ગમે ત્યારે જાગે એક ગ્લાસ મારે પછી જ પાછી ઉંઘ આવે અને એ જ નશાએ હું પાંચ વર્ષનો હતો ત્યારે બાપુજીના બન્ને ફેફસા ખલાસ કરી નાખેલા શરીર હાડપીંજર અને ચાલવામાં પણ પગ ઢસેડવા પડે એવી સ્થિતી તપાસ કરાવતા (ક્ષય) ટીબીનો રીપોર્ટ આવ્યો એ સમયે ટીબી ભયંકર રોગ ગણાતો આ રોગની સુગ પણ હદ બારની… ત્યારે બાપુજી કોઠારીયા કપૂર સાહેબની હોસ્પીટલમાં દોઢ મહિનો દાખલ રહેલા એ દરમ્યાન એ હોસ્પીટલમાં ૩૩ ટીબીના દર્દિઓ રામશરણ પામેલા પરંતુ બાપુજીની આધૂનિક વિચારધારા દવા લાવાની નિયમીતતા અને જોરદાર ઇચ્છાશક્તિનાં બળે સંપૂર્ણ સાજા હ્રષ્ટપુષ્ટ થઇ ગામડે આવ્યા ત્યારે કોઇ ઓળખી ના શકે જેણે ઓળખ્યા એ કહેતા ભરતભાને કોઇ બીજો રોગ લાગુ પડ્યો છે હોજી (સુજી)ને દડા જેવા થય ગયા છે હહાહાહા અને એ પછી બાપુજી જીવ્યા ત્યાં સુધી દારુને હાથ નહોતો લગાડ્યો

બાપુજી સંપૂર્ણ તંદુરસ્ત થઇને આવ્યા પછી પણ સંઘર્ષનો દોર ચાલુ જ રહ્યો… કામય સાજા માંદા રહેતા મારા બાનો રીપોર્ટ ડાયાબીટીસ અને બ્લડપ્રેસરનો આવ્યો (એ સમયે ડાયાબીટીસના દર્દિઓ જવલ્લે જ જોવા મળતા) બા ખૂબ આસ્તિક અને ભોળા બધી જ અંધશ્રદ્ધામાં માનનારા જ્યારે બાપુજી તદ્દન બાથી વિરુદ્ધ સ્વભાવનાં દોરા, ધાગા, ભૂત, ભુવા કે મુર્તિ પૂજામાં ક્યારેય માને નહિ મારા બન્ને મોટા ભાઇ-બહેન બાના સ્વભાવ પર ગયાં જ્યારે મારામાં બાપુજીનો સ્વભાવ ગુણાકાર થઇને આવ્યો… સામાજીક પ્રથા એવી છે કે પત્ની પતિની સેવા કરે પરંતુ મારા બાપુજીએ મારા બાની જે સેવા કરી છે એમનો જોટો ક્યાંય જડે નહિ મારા માતા-પિતા છે એટલે ખોટાં વખાણ નથી કરતો પરંતુ અવું પ્યારુ યુગલ મે તો નથી જોયું ખૂબ ધાર્મિક અને ભોળા મારા બા અતિશય આધુનિક વિચારધારા વાળા મારા બાપુજી બન્નેના વિચારોમાં ક્યાંય સમાનતા નહિ છતાં દિલથી દિલનો અવો સુંદર મેળ એક રહસ્ય હતું… બા સંપૂર્ણ અભણ બાની બધી જ દવાઓનો ખ્યાલ બાપુજી રાખતાં ડાયાબીટીસ/બ્લડપ્રેસર વધે-ઘટે એ મુજબ દવાઓનો ડોઝ વધારે ઘટાડે… ડૉ. દિનેશ ભટ્ટ કહેતાં બાપુ દવાઓ સ્વયં વધારવી ઘટાડવી હિતાવહ નથી પરંતુ તમારી કોઠાસુજ અને આવડત અપવાદ છે સમયની જરુરિયાતે તમને સહજ ડૉક્ટર બનાવી દીધા છે… માતા-પિતાને પોતાનું દરેક સંતાન ખૂબ વ્હાલું હોવાનું જ પરંતુ હું ત્રણ સંતાનોમાં સૌથી નાનો અને બાપુજીને ટીબી થયેલ ત્યારે માત્ર પાંચ વર્ષનો જ હોવાથી મારા તરફ બાપુજીના પ્યારનું ત્રાજવું હમેશા થોડું વધારે નમેલુ રહેતું નાનપણથી જ મારા ઝઘડાલું અને જીદ્દી સ્વભાવના હિસાબે બાના હાથનો માર ખાવો એ મારા માટે રોજીંદુ પરંતુ બાપુજી ખીજાયા હોય એવું પણ યાદ નથી

જિન્સના ગુણધર્મમાં હું ખૂબ માનું પરંતુ મારા કાકા અને બાપુજીના સ્વભાવમાં જમીન આસમાનનો ફર્ક હતો બાપુજી સાવ નમ્ર અને ગામમાં સૌથી આધુનિક વિચારધારા ધરાવતું વ્યક્તિત્વ જ્યારે મારા કાકાને તર્ક સાથે કાંઇ લેવાં દેવાં નહિ દારું પીને ફંદ કરવો એ એમની મુખ્ય હોબી કાકાના બિનજરુરી ત્રાસથી છુટકારો મેળવવાં માટે જામનગર સ્થળાંતર કરવાંના ઇરાદા સાથે બાપુજીએ વાડી વેંચી ટ્રક લીધો (એ સમયમાં જામનગર બંદર પર ટ્રકની ખૂબ માંગ) ઇશ્વરને કંઇક અલગ જ મંજુર હતું ટ્રકમાં ખૂબ નુકશાની વેઠી બાપુજી પાઇ પાઇ માટે સંઘર્ષ કરતાં થય ગયાં વ્યાજના પૈસા પર ઘરનું ગુજરાન ચાલતું… ત્યારનો દિવાળીનો એક પ્રસંગ મને યાદ આવે છે… નાનપણથી જ હું ફટાકડાનો ખૂબ શોખીન લાલ ટેટા હાથમાં ફોડી મિત્રોને અચંબિત કરવામાં મને ખૂબ આનંદ આવતો જો કે ક્યારેક આ પરાક્રમમાં દાજી પણ જવાતું ત્યારે અમારા દરબાર ગઢનાં છોકરાઓની દિવાળીની રાત્રી મારા ઘરનાં મોટા ફળીયામાં ફટાકડા ફોડવામાં જ પસાર થતી અને એમાં હું “ઉજ્જડ વનમાં એરંડો પ્રધાન”ની ભૂમિકામાં થનગનતો રહેતો કારણ કે દરબાર ગઢમાં સૌથી વધારે ફટાકડા મારી પાસે જ હોય… અને એ દિવાળી પહેલા જ બાપુજીએ ટ્રકમાં ખૂબ નૂકશાની વેઠેલી જમીન પણ વેંચાય ગયેલી નાણા ભીડ આટો લઇ ગયેલી જે મારા બાળ હ્રદયએ અનુભવેલ નહિ અને સ્વભાવ મુજબ વાદ કરી બેઠો બધાંઓથી વધારે ફટાકડા લેવાનો બાપુજીએ હસતાં-હસતાં લઇ પણ દીધાં ફૂલણ ગધેડી થઇ મે તથા મારા મિત્રોએ રાત્રીનાં ત્રણ વાગ્યા સુધી ફટાકડા ફોડ્યાં… હાથ-મ્હોં ધોઇ રાત્રીનાં સાડા ત્રણે બાની બાજુમાં પાથરેલી પથારીમાં પડ્યો અને બાનાં હીબકા સાંભળીને પૂછ્યું કેમ રડે છે બા ? મારા બાપુજીએ કાંઇ કહ્યું ? મારા પ્રશ્નથી બાના હીબકા વધારે તેજ થયા રીતસર નાના બાળકની જેમ રડતાં રડતાં એ બોલ્યા… મરીગ્યા તારી ફટાકડાની હોરીમાં પહેલી વાર મારો ધળસા જેવો સોનાનો ચેઇન ગીરવી મૂંકાય ગયો… ઓહહહ…બાના એ શબ્દોએ કૂમળી વયે પણ મારા દિલ પર એવો તો જનોઇ વઢ ઘા કર્યો કે તે દિની ઘડી અને આજનો દિવસ એ પછી મે ક્યારેય ફટાકડા નથી ફોડ્યાં

બાપુજીનું સંપૂર્ણ જીવન સંઘર્ષમય રહ્યું છે નાનપણમાં બાળ મજુરી યુવાનીમાં બીમારી અને બીમારીમાંથી સ્વસ્થ થઇ કુટુંબનું ભરણ પોષણ સાથે બાની સેવા… બાના અવશાન પછી બાપુજી સાવ ભાંગી પડેલા આખો દિવસ ગુમસુમ રહ્યાં કરે અને એકાંતપ્રિય પણ બની ગયેલા… છેલ્લે અંત સમયે ૧૫ થી ૨૦ દિવસ પથારીવસ રહેલા એ માંદગી દરમ્યાન મોટા ભાઇ ખુમાનસિંહ વાળા અને ભત્રીજા કુલદિપસિંહ વાળાએ બાપુજીની જે ખંતથી સેવા કરી છે એ તો અદ્વિતીય છે મારો મૂળ સ્વભાવ ખૂબ સુગાળવો એ બાપુજી સારી રીતે જાણતા હતાં એટલે એમનાં અંતીમ સમયમાં અર્ધજાગૃત અવસ્થામાં પણ એમને એ યાદ હતું હું બાપુજીને ટોઇલેટ કરાવવા આગળ આવું તો અર્ધજાગૃત અવસ્થા/અર્ધખુલ્લી આંખોથી મને જોઇને હાથના ઈશારાથી ઇન્કાર કરી દેતા ત્યારે ખરેખર હું મારા સુગાળવા હોવા પર તીરસ્કારની લાગણી અનુભવતો… બાપુજીના અંત સમય સુધી એ કામ મોટાભાઇ અને ભત્રીજાનું રહેલું

બાપુજી ગયાના ચાર દિવસ પહેલા મને બાજુમાં બેસાડી ધૃજતા અવાઝે કહેલુ… અશોક મારા મર્યા પછી મારા અસ્થી વિસર્જન કરવાની જરુર નથી અને જો સમાજની શરમે-ધરમે આ રીવાઝ નિભાવવો પડે તો પણ કોઇ ધાર્મિક વિધિ કરાવ્યાં વગર જ પધરાવી દેવા… કોઇએ રોવું નહિ, કાળા કપડા પહેરવા નહિ, ટીવી કે કોમ્પ્યુટર બંધ રાખવા નહિ અને પિતૃને પાણી પાવું કે વાસ નાખવા જેવી વિધિ પણ ક્યારેય કરવી નહિ… બાપુજીની દરેક અંતીમ ઇચ્છોને આજે પણ હું અનુસરુ છું

તા. ૦૪ – ૦૬ – ૨૦૧૦ના રોજ બપોરના દોઢ વાગ્યાની આસપાસ હું કામ પરથી આવી જમવા બેઠો હતો ત્યાં ઉપરના રૂમમાંથી ભત્રીજાનો અવાઝ આવ્યો કાકા ઉપર આવો તો બાપુજીને ખૂબ હેડકી આવે છે હું જમવાંનું અધુરું મૂંકી ઉપરના રૂમમાં ગયો મને બધું સામાન્ય લાગ્યું હેડકી આવે છે હમણા બંધ રહીં જશે… મે પાણી પાયુ… અમારી આંખો ચાર થઇ મને આભાસ થયો બાપુજી અંતીમ વાર મને મન ભરીને માણી લઇ મારા સંપૂર્ણ અસ્તિત્વને આંખો રુપી કુદરતી કેમેરામાં કેદ કરી લેવાં માંગે છે અને ક્ષણવારમાં તો બાપુજીની આંખો ઓચિંતી મીંચાઇ ગઇ હું અવાચક થઇ જોતો રહ્યો બાપુજી ચીર નિંદ્રામાં પોઢી ગયા… બાપુજીની સંઘર્ષમય જીવન યાત્રાનો અંત આવ્યો… જાણે પૂરી જિંદગીના થાકને એક લાંબી ઉંઘ દ્વારા ઉતારવા માંગતા હોય એવી પરમ શાંતિ ચહેરા પર દ્રષ્ટીગોચર થતી હતી… આંખમાં તારા પ્યારના આંસુ સાથે અલવિદા મારા પ્યારા બાપુજી

– અશોકસિંહ વાળા

– તા.૨૧ -૧૧ -૨૦૧૩


અંધશ્રદ્ધાનો ઓછાયો

images
શબ્દોનો એવો સાથ હું રાખું છું
અંધશ્રદ્ધાને દૂરથી જ હું ભાખું છુ
.
.
ધાર્મિકતાની બધી ગળ ગુમળ હું
રેશનલતાના સ્વાદથી જ ચાખું છું
.
.
હોય જો ગોળા-બારૂદ તમારી પાસે
વાસ્તવવાદની કટાર હું ય રાખું છું
.
.
ધાર્મિક લાગણીઓ નથી દુભાવતો
અંધશ્રદ્ધાના નીરમાં પત્થર નાખું છું
.
.
લાસ બની બેઠા છે બધાં ‘અશોક’
એ લાસનું નશીબદાર હું લાખું છું
.
-અશોકસિંહ વાળા
તા.૦૧/૯/૨૦૧૩


અંધશ્રદ્ધાનો અછાંદસ

images
 

આજ અશ્કાને
અલ્લા, વાહેગુરુ, ઈશુ
અને શંકર
સ્વપ્નમાં આવ્યાં
.
.
અને કહ્યું
અમે એક માત્ર
આસ્થા અને આત્મવિશ્વાસની
શક્તિ માત્ર છીએ
.
.
જે કામ તમારાથી
ના થઇ શકે એમાં નિમીત
અમે તો નથી જ
તમારા પાંચ પૈસા કે
.
.
શ્રીફળ અમને ધરવા
કે માનવા તમારા
નમાલાપણાની
પરાકાષ્ટા છે
.
.
આ સુતેલા નઘરોળ
સમાજને તારા
શબ્દોથી જગાડ “અશોક”
.
.
ત્યાં તો સ્વપ્ન તુટ્યું
વાસ્તવિક્તા બની
સામે આવ્યું
.
.
-અશોકસિંહ વાળા
તા.૨૦/૮/૨૦૧૩


”શ્રાવણ માસ આવ્યો”

images

શંકરને છેતરશે સૌ શ્રાવણ માસમાં
૧૧ મહિના જે નથી હોતો ખાસમાં
.
મંદિર કે મજહબમાં ગોત્યો નહિ મળે
આસ્થા દ્રષ્ટીએ હશે એ આસપાસમાં
.
જગમગતી રોશનીઓની નથી જરુર
અજવાળું કરે એમનું એ અમાષમાં
.
જાહો જલાલીમાં પડ્યા સંત-મહંતો
તાંડવ નૃત્ય કરે ભોળો કોઇ દાસમાં
.
દૂધનો અભિષક કરો નહિ પત્થર પર
ન બનો ભાગીદાર ગરીબોના ત્રાસમાં
.
બાળશો નહિ માનવ દેહને ‘અશોક’
છુપાયેલો હોય કદાચ એ લાસમાં
.
-અશોકસિંહ વાળા
તા. ૦૬/૦૮/૨૦૧૩


લાગણીઓનો ઘૂંઘટ

35361_127159713991891_100000935894073_125678_1998711_n

હું ઘનઘોર છું
છતાં ક્યાંક જ વરસુ છું
.
.
જ્યાં વરસુ ત્યાં
સુનામી કેમ
આવે છે?
.
.
કદાચ વરસતો જ નથી
હું માત્ર
તરસુ છું
.
.
છતાં મારું તો
કાંઇ છે નહિ
.
.
સુનામી, ભૂકંપ કે
મારી લાગણીઓ
.
.
લાગણીઓની લાજ
મુંજવે મને
ઘુંઘટ બાજુ પર રાખ
.
.
લાગણીઓ ખુંટશે
ત્યારે ‘અશોક’
ઘેલો થવાનો
.
.
છતાં હું હું જ રહેવાનો
મને લાગણીઓનાં
ત્રાજવે તોલવો નહિ
.
-અશોકસિહ વાળા
તા. ૨૪/૦૭/૨૦૧૩


જિંદગીની હાર (અછાંદસ)

images

વિચારોનાં વમળમાં
એવો હું ફસાયો
ખબર નહિ
ક્યાં હું ભમુ છું
.
.
અણગમતો છું
કોઇ માટે…
તો પણ હું કોઇને
ખૂબ ગમુ છું
.
.
શબ્દોની તલવાર
રાખું હું હમેશા સાથે
છતાં ક્યાંક તો
હું પણ નમું છું
.
.
ન હોય તમારે
એકે જ ખમવાનું
ન રુઝાય એવાં ઘાવ
હું પણ ખમું છું
.
.
હારતો રહું છું વારંવાર
છતાં…
આ જિંદગીની રમત
હું પણ રમુ છું
.
-અશોકસિંહ વાળા
તા.૨૩-૦૭-૨૦૧૩


પ્રાર્થના

બસ ચાહું તો ઇતના તુજસે
ઐસી શક્તિ દે માં સરસ્વતી,
તેરે ચરનો મે મેરી કલા રહે
ઐસી ભક્તિ દે માં સરસ્વતી
.
.
-અશોકસિંહ વાળા
તા.૧૪-૧૦-૨૦૧૧